From A Life to The Life
બિલીફ સિસ્ટમ – (ભાગ-૨)

બિલીફ સિસ્ટમ – (ભાગ-૨)

બિલીફ સિસ્ટમ ઘડાય છે જાત અનુભવો અને બીજાઓનાં સુચન દ્વારા. આ બંને બાબત, જાત અનુભવ અને સૂચન, સાવ અલગ છે. એકમાં અણીશુદ્ધ અનુભવ છે જયારે બીજામાં માત્ર સ્વીકાર, કોઈપણ પ્રકારના અનુભવ વગર. હવે અહીં એક મુશ્કેલી આવે છે. અનુભવ કર્યા વિના સ્વીકારાતી કોઇપણ વાત સત્ય છે કે કેમ અથવા એ આપણને લાગુ પડે છે કે કેમ એ નક્કી થતું જ નથી. આપણી ઘણી માન્યતાઓ આ રીતે જ બંધાયેલી હોય છે. સૂચન આવ્યું, સ્વીકાર કર્યો અને સીધો અમલ. હવે એવું બની શકે કે અમુક વાત સૂચન આપનાર વ્યક્તિ માટે યોગ્ય હોય પણ આપણા માટે ન પણ હોય, કદાચ આપણને એ લાગુ જ ન પડતી હોય. કોઈ વ્યક્તિ માટે અમુક વસ્તુઓ અશક્ય હોઈ શકે પરંતુ એ બધાં માટે અશક્ય જ હોય એ જરૂરી નથી. અમુક વાતો સ્થળ અને સંજોગો પર પણ આધારિત હોય છે. કોઇપણ વસ્તુ વીશે કોઈ ચોક્કસ માન્યતા બનાવતાં પહેલાં તેને પોતાની બુધ્ધિ અને અનુભવના એરણ પર ચકાસવી જરૂરી છે.
આ તો થઇ નવી માન્યતાઓ ઘડવામાં તકેદારી રાખવાની વાત, પણ જે માન્યતાઓ બિલીફ સિસ્ટમનો એક ભાગ બની ચુકી છે એનું શું? પહેલાં અમુક કિસ્સાઓ વાંચીએ.
એક સંગીતકાર માટે શ્રવણશક્તિ અનિવાર્ય છે. એ સર્વસામાન્ય માન્યતા છે કે સાંભળવાની શક્તિ વિના કોઈ સંગીતકાર સંગીત રચી શકે નહીં. પણ બિથોવને એ કરી બતાવ્યું. શ્રવણશક્તિ ગુમાવ્યા પછી પણ તેણે જગતને ઉત્તમ રચનાઓની ભેટ આપી.  
વર્ષોથી દેશ પર હુકુમત ચલાવતી મહાસત્તાને કોઇપણ જાતનાં શાસ્ત્રો કે હિંસા વિના દેશ છોડવા માટે મજબુર શકાય એવું કોણ માનતું હતું દુનિયામાં? મહાત્મા ગાંધીએ એ કરી બતાવ્યું.
અમેરિકા, જ્યાં હંમેશા કોઈ શ્વેત જ રાષ્ટ્રપતિ રહ્યું હોય, ત્યાં કોઈ અશ્વેત રાષ્ટ્રપતિ બની શકે એવું કોઈએ પણ માન્યું ન હતું. બરાક ઓબામા એ એ વખતના લોકપ્રિય પ્રતિસ્પર્ધી હિલેરી ક્લીન્ટનને હરાવીને આ કરી બતાવ્યું.
માણસને હાથ, પગ કે કોઈ એકાદ અંગમાં ખોડખાપણ હોય તો તે હંમેશા બીજાઓ કરતાં પોતાની જાતને અલગ અને નિર્બળ માને છે. કોઈ કલ્પના કરી શકે કે જે માણસ ખુરશીમાંથી ઉભો જ નથી થઇ શકતો કે નથી બોલી શકતો એ આજના સમયનો સૌથી મોટો વૈજ્ઞાનિક હોઈ શકે? જવાબ છે સ્ટીફન હોકિંગ.
આવા તો ઘણાં વ્યક્તિઓ છે જેની વીશે અહી લખી શકાય. પરંતુ આ બધાં લોકોમાં જે સમાનતા છે એની વાત આપણે કરવાની છે. આ દરેક વ્યક્તિઓએ સર્વસામાન્ય માન્યતાઓને પડકારી છે. જે માન્યતાઓનો પોતે અનુભવ કર્યો નથી એ તેમણે કદી સ્વીકારી નથી. ગાંધીજીની બિલીફ સિસ્ટમ બીજાં જેવી જ હોત કે અંગ્રેજોને ખદેડવા શક્ય નથી તો કદાચ આપણને આઝાદી ન મળી હોત, સાંભળવાનું બંધ થયા પછી બિથોવન બેસી ગયો હોત કે હવે બધું ખલાસ, તો? પણ તેણે એ માન્યતાને સ્વીકારી નહીં. સ્ટીફન હોકિંગ જો માનતો હોત કે આટલા મોટા ન્યુરોન ડીસઓર્ડરથી પીડાતા માણસને પથારીવશ જ રહેવું પડે તો દુનિયા ઘણાં સત્યોથી વેગળી રહી જાત.

કોઇપણ એવું કામ જે અશક્ય લાગે છે એ પાર પાડવા માટે આત્મવિશ્વાસ, જુસ્સો એ બધાં કરતાં પહેલાં આવે છે, આવું ન થાય એ માન્યતાનો અસ્વીકાર. કોઈ માન્યતા તમે ત્યારે જ બદલી શકો જયારે પહેલાં તમે તેનો અસ્વીકાર કરો. આવી એક એક માન્યતાઓ કે જેનાથી આપણી બિલીફ સિસ્ટમ બનેલી છે અને જેના દ્વારા આપણે જીવન જીવીએ છીએ એ દરેકને અનુભવના એરણ પર ચકાસ્યા વિના સ્વીકારવાનું બંધ કરીશું ત્યારે જ આપણામાં એક નવાં, સશક્ત વ્યક્તિત્વનો ઉદય થઇ શકશે.

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Habit of Happiness


Look Before You LeaveCategories