From A Life to The Life
બિલીફ સિસ્ટમ (ભાગ – ૧)

બિલીફ સિસ્ટમ (ભાગ – ૧)

ચહેરો. દરેકનો અલગ અલગ. વ્યક્તિને ચોક્કસ દેખાવ આપે છે વ્યક્તિનો ચહેરો. તેને બીજાં વ્યક્તિથી અલગ પાડે છે. આ બાહ્ય દેખાવની વાત છે. ચહેરાની જેમ વિચારો પણ દરેકના અલગ અલગ. બે વ્યક્તિના ચહેરા કદાચ ક્યારેક એક જેવા મળી આવે પરંતુ વિચાર સાવ એક જેવા ક્યારેય નથી હોતાં. આ ભિન્નતા જ વ્યક્તિઓ વચ્ચેનાં દરેક વિવાદોનું કારણ છે. પરંતુ વ્યક્તિઓના અસ્તિત્વનું કારણ પણ આ જ છે.  બે મિનીટ માટે એટલું વિચારી જુઓ કે દુનિયાનો દરેક માણસ તમારી જેવો જ હોત તો? શું કરવું પછી? કશું કરવાનું રહે જ નહીં. કોઈને કશું કહેવાનું ન રહે. અરે બોલવાની જ જરૂર ન પડે. બધાં તમારાં જેવા જ હોય તો વિચારો પણ સરખાં જ હોય, બોલ્યાં વગર જ સમજી જાય. તમારે જે કરવું છે એ જ બીજાને કરવું હોય. તમારે જે જોઈતું હોય એ જ બીજાને જોઈતું હોય. બહું ઉંડે જઈએ તો આવી સમાનતા અસ્તિત્વ માટે જોખમી સાબિત થાય. પરંતુ સદભાગ્યે એવું નથી. દરેકના વિચારો અલગ છે, દરેકનો સ્વભાવ અલગ છે. પરંતુ ઘણી વખત વ્યક્તિને વધું બહેતર બનવાં કે જીવનમાં આગળ વધવા માટે પોતાનાં વિચારો, વર્તન અને પોતાનો સ્વભાવ બદલવાનો વિચાર આવે છે, ખુબ તીવ્રતાથી. પછી એ વિચાર જતો રહે છે, વિચારના સ્વરૂપમાં જ. એના પર કોઈ કામ થતું નથી. આવું લગભગ દરેકે અનુભવ્યું હશે. આ માટે એ જાણવું જરૂરી છે કે માણસનો સ્વભાવ ઘડાય છે કઈ રીતે? ચોક્કસ માણસ ચોક્કસ રીતે જ કેમ વર્તે છે?
માણસના સ્વભાવ અને વિચારોનું બંધારણ થાય છે તેની માન્યતાઓથી. કમ્પ્યુટરમાં જેમ ઓપરેટીંગ સિસ્ટમ હોય છે એમ માણસમાં બિલીફ સિસ્ટમ હોય છે. કમ્પ્યુટરની ઓપરેટીંગ સિસ્ટમ વીશે જાણકારી હોય તો મોટાભાગનાં પ્રોબ્લેમ્સ દુર થઈ શકે છે. બરાબર એ જ રીતે બિલીફ સિસ્ટમની જાણકારીથી આપણા ઘણાં પ્રોબ્લેમ્સ દુર થઈ શકે છે, વિચારો, વર્તન અને સ્વભાવમાં પરિવર્તન શક્ય બની શકે છે.  માણસ જન્મ લે ત્યારે સાવ કોરી પાટી હોય છે. જેમ જેમ એ મોટો થાય છે એમ રોજ નવા નવા અનુભવો કરે છે, નવી વસ્તુઓ વીશે જાણે છે. આ ઉપરાંત દરેક વાત વીશે તેને એક સૂચન આપવામાં આવે છે, માં-બાપ, વડીલો અને સમાજની અન્ય વ્યક્તિઓ દ્વારા. આ સૂચનો વ્યક્તિની માન્યતાઓ એટલે કે બિલીફ સિસ્ટમ ઘડવામાં બહુ મોટો ભાગ ભજવે છે.
વ્યક્તિ પોતાની માન્યતા પ્રમાણે નક્કી કરે છે કે આમ કરાય અને આમ ન કરાય, આ સાચું આ ખોટું, આ યોગ્ય આ અયોગ્ય વગેરે અને એ પરથી વ્યક્તિનાં વિચાર અને વર્તન નક્કી થાય છે. વ્યક્તિની બિલીફ સિસ્ટમ જેની પરવાનગી આપે એવું વર્તન વ્યક્તિ કરે છે અને જેની પરવાનગી ન હોય એ વર્તન કરી શકતો નથી.. બિલીફ સિસ્ટમ દ્વારા ઘડાયેલ પ્રોગ્રામ દ્વારા જ એ જીવન જીવે છે. બધાં દ્વારા સ્વીકારેલી અને સત્ય વાત છે કે ચોરી કરવી જોઈએ નહીં. પરંતુ ચોરના ઘરે જન્મેલા અને ચોરોની વચ્ચે ઉછરેલા બાળકની માન્યતા કંઇક અલગ જ હોય છે. એ કદાચ ચોરી કરવામાં શાણપણ અને બહાદુરી અનુભવતો હોય છે. સંપૂર્ણ સમાજ ચોરીને ગુનો ગણે છે પરંતુ ચોરની બિલીફ સિસ્ટમ તેને ચોરી કરવાની મંજુરી આપે છે.
વ્યક્તિના જાત અનુભવ દ્વારા બંધાયેલી માન્યતાઓ વીશે સમજી શકાય છે પરંતુ માત્ર બીજાઓના સૂચન દ્વારા બંધાયેલી અને ઘર કરી ગયેલી માન્યતાઓનું શું? શું આવી માન્યતાઓ હંમેશા યોગ્ય હોઈ શકે? શું આપણી બિલીફ સિસ્ટમને બદલી શકાય છે?  જવાબ છે હા.

કઈ રીતે બદલી શકાય તેની ચર્ચા આવતાં અંકે……
                                                                                                        (ક્રમશઃ)

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Habit of Happiness


Look Before You Leave



Categories