From A Life to The Life
તકલીફ (ભાગ 1)

તકલીફ (ભાગ 1)

મુશ્કેલી, તકલીફ, પ્રોબ્લેમ. કોને નથી? જિંદગીનું એક અનિચ્છનીય છતાં અનિવાર્ય અંગ એટલે તકલીફ. દરેકની આગવી હોય છે આ તકલીફ. આજે વાત કરવી છે તકલીફની ઉંમર વિશે. હા, તકલીફની ઉંમર. થોડું અટપટું પણ બહુ વિચારવા જેવું છે. તકલીફને તે વળી ઉંમર હોય? હોય ભાઈ હોય. જરાં તમારી તકલીફોની યાદી ચકાસો અને પછી દરેકની જન્મ તારીખ જુઓ. અમુક સાવ નવજાત હશે, અમુક શૈશવમાં પહોંચેલી, અમુક યુવાનીમાં ડગ ભરતી અને અમુક તકલીફોને ધોળા આવી ગયાં હશે. આજે વાત કરવી છે  આ છેક ઘડપણ સુધી પહોંચેલી તકલીફોની. કહેવાનો અર્થ એમ કે આ તકલીફો એવી છે જેનાથી આપણે ઘણાં સમયથી પરેશાન છીએ. અમુક તકલીફો જે આપણને આજથી દસ વીસ વર્ષ પહેલાં પરેશાન કરતી હતી એ આજે પણ કરે છે. બહુ નવાઈની વાત છે પણ એકદમ સાચી. ખાતરી કરવી હોય તો બસ કાગળ અને પેન લો અને તમારા પ્રોબ્લેમ્સની યાદી બનાવો અને પછી શાંતિથી જુઓ કે દરેક પ્રોબ્લેમથી તમે કેટલાં સમયથી પરેશાન છો.
મને પોતાને જયારે આ વિચાર આવ્યો ત્યારે હું તો રીતસરનો હચમચી ગયો હતો. દસ વર્ષ પહેલાં જે વસ્તુ મને હેરાન કરતી હતી એ આજે પણ કરે છે? આ પ્રોબ્લેમ્સ ઘણાં પ્રકારના હોઈ શકે. બીજા તરફથી મળતાં અથવા આપણી પ્રકૃતિ, સ્વભાવ કે ટેવોને લીધે થતાં પ્રોબ્લેમ્સ. પણ મહત્વની વાત એ છે કે આપણે કદાચ એના પ્રત્યે થોડાં બેદરકાર છીએ. બેદરકાર શબ્દ જ બરાબર છે. ઘરમાં બાવા ઝાળા પણ નિયમિત સાફ કરીએ છીએ પણ એકની એક તકલીફ વર્ષોથી ઘર કરી જાય ત્યાં સુધી આપણને ખબર નથી રહેતી. આ બેદરકારી જ છે. નરી બેદરકારી.
આમ થવા પાછળના કારણો અનેક હોઈ શકે છે પણ જે મને સૌથી વધું કારણભુત લાગ્યું એ છે કાયમી ઈલાજનો અભાવ. આપણે હંમેશા તકલીફોને ઉપર ઉપરથી ઠીક કરવા પ્રયત્ન કરીએ છીએ. એ બિલકુલ વૃક્ષની એક ડાળી કાપવા જેવું છે. એ ફરી ઉગી નીકળે છે. તકલીફના મૂળ સુધી આપણે ભાગ્યે જ પહોચીએ છીએ. ઉદાહરણ તરીકે, કોઈ એક ટેવ, જેનાથી આપણને બહુ તકલીફો પડે છે, જેમ કે મોડા ઉઠવું, કડવું બોલવું, વાતવાતમાં ગુસ્સો કરવો કે આવું કંઈ પણ. અથવા તો કોઈ પાડોશીનું વર્તન, બોસનો સ્વભાવ કે કોઈ સંબંધીની કચકચ. આવા કોઇપણ પ્રોબ્લેમને આપણે હંમેશા ઉપર ઉપરથી ઠીક કરીએ છીએ. પણ એના મૂળ કારણ સુધી પહોંચવાની તસ્દી ભાગ્યે જ લઈએ છીએ. આવું કેમ?
સમય નથી. પોતાનાં માટે.

બીજાનાં પ્રોબ્લેમ્સ કે તકલીફો માટે સલાહ આપવા આપણે રીતસર પલાઠી વાળીને બેસી જઈએ છીએ. પણ ખુદના પ્રોબ્લેમ્સ માટે કદી શાંતિથી બેસીને નથી વિચારતાં. આવી ટેવ જ નથી. એકવાર પ્રોબ્લેમ્સનું  રીતસરનું લીસ્ટ બનાવીને શાંતિથી બેસી જુઓ. વિચારી જુઓ. બહુ નવાઈ લાગશે. હસવું પણ આવશે. આવાં નાનાં પ્રોબ્લેમ્સથી હું હેરાન થતો હતો? આવી કંઇક ફીલિંગ્સ આવશે. મોટાભાગની તકલીફો ખાલી એના વીશે વિચારવાથીજ જતી રહે છે કારણકે હવે તમે એના પ્રત્યે સભાન છો. હવે એ તમને હેરાન ના જ કરી શકે. લગભગ બધી જ તકલીફો સ્વભાવમાં, વર્તનમાં કે વિચારમાં થોડાં ફેરફારથી દૂર થઇ શકે છે.
                                                   
                                                                                      (ક્રમશઃ)

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Habit of Happiness


Look Before You Leave



Categories