From A Life to The Life
તકલીફ (ભાગ-૩)

તકલીફ (ભાગ-૩)

તકલીફો, કે જેના પર આપણો કાબુ નથી. શું હોઈ શકે આ તકલીફો? બીજાઓનું આપણી પ્રત્યેનું વર્તન, કોઈ કુદરતી સમસ્યા, પરિવારના કે નજીકનાં સગાંઓથી થતાં પ્રોબ્લેમ્સ વગેરે….લીસ્ટ લાંબુ ચાલી શકે છે. ટુંકમાં કહેવું હોય તો એવી તકલીફો જે આપણી કોશિશથી તરત સુધરી શકે નહીં, જેના ઉત્પન્ન થવાના સીધાં જવાબદાર આપણે નથી. આપણને એવું લાગે છે કે આ તકલીફ નિવારવા હું કંઈ જ નહીં કરી શકું યા તો મેં મારાથી બનતાં બધાં જ પ્રયત્નો કરી લીધાં છે, હવે કંઈ જ ના થઈ શકે.
આવી તકલીફો દરેકના જીવનમાં હશે, એકાદ તો હશે. પણ એ એકાદ તકલીફને કારણે જ તમે કદાચ સૌથી વધુ પરેશાન હશો. કારણકે એને દુર કરવા માટે તમે કશું નથી કરી શકતાં, એ તમારા હાથ બહારની વાત છે. આવી તકલીફો દુર કરવા કદાચ આપણે કશું ન કરી શકીએ કારણકે અમુક સમસ્યાઓ સમય જ દુર કરી શકે છે પરંતુ આપણે જે કરી શકીએ છીએ એ છે એના પ્રત્યેનો આપણો અભિગમ બદલવો. કોઈપણ તકલીફ વધુ તકલીફ ત્યારે આપે છે જયારે આપણે તેને સ્વીકારી ન હોય. વિચારો. ઉદાહરણ તરીકે, કોઈ એક વ્યક્તિના વર્તનથી આપણે ખુબ જ પરેશાન છીએ. એ સામે આવે અને આપણી તકલીફ ચાલુ. આપણે હંમેશા એવું ઇચ્છીએ કે એ સામે ન આવે તો સારું. આવું ઇચ્છીને આપણે એ તકલીફથી ભાગવા અને છુટવા માંગીએ છીએ. પણ જો એમ છુટાતું હોત તો આપણે ક્યારના છૂટી ગયા હોત. ઘણાં સમયથી આ તકલીફ છે એનો મતલબ એનાથી ભાગવાથી કશું થશે નહીં. સૌ પહેલાં તો આપણે એ સ્વીકારવું પડે કે જે તે વ્યક્તિનો સ્વભાવ જ આવો છે. આટલું સ્વીકાર્યા પછી જ એની સાથે આપણે કેવી રીતે વર્તવું જેથી કરી આપણને તકલીફ ઓછી પડે એવું થઈ શકે.
તકલીફને સ્વીકારવાથી આમ જોઈએ તો એ તકલીફ જ રહેતી નથી. તકલીફની વ્યાખ્યા જ એ છે કે અણગમતી અને ન જોઈતી પરિસ્થિતિ. આવી કોઈ પરિસ્થિતિને જો આપણે સ્વીકારી લઈએ તો એ તકલીફ નથી આપતી કારણકે હવે એ પરિસ્થિતિ વીશે તમે સારી કે ખરાબ એવો કંઈ નિર્ણય નથી કરતાં. બસ તમે તેનો સ્વીકાર કરો છો અને આગળ વધો છો. કોઈ વ્યક્તિ જેને જન્મજાત શરીરમાં ખોડખાપણ છે, એ કશું ન કરી શકે આ તકલીફને દુર કરવા. એ એના કે કોઈના પણ હાથની વાત નથી કદાચ. પણ જે દિવસે એ વ્યક્તિ સ્વીકારી લે છે કે તકલીફ છે તો છે, પણ એનાથી શું? હું અટકી જાઉં? બસ આખી જિંદગી એના વીશે જ વિચારીને દુઃખી થાઉં?  ના.  બસ આ એક ના, કે હું દુઃખી થઈને બેસી નહીં રહું અને પરિસ્થિતિનો સ્વીકાર એ માણસને બદલી નાખે છે. આપણે ઘણાં અપંગ લોકોને અસામાન્ય કાર્યો કરતાં જોયા છે. આ બધાં જ લોકોએ પોતાની તકલીફને સ્વીકારી છે. અણગમા સાથે નહીં, હસતાં હસતાં. હવે એમના માટે એ તકલીફ નથી. તો આપણે જે તકલીફો વીશે એવું માનતાં હોઈએ કે કશું ના થઇ શકે, એ પણ આપણો અભિગમ બદલવાથી ચોક્કસ દૂર થઈ શકે છે. તકલીફ હોવાં છતાં આપણે એનાથી હેરાન પરેશાન નથી થતાં.
તો બસ આજથી જ જીવનની તકલીફો વીશે સભાન બનીએ, એના વીશે વિચારવા સમય ફાળવીએ, આપણો સ્વભાવ તથા અભિગમ બદલીએ અને તકલીફમુક્ત જીવન તરફ પ્રયાણ કરીએ. 

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Habit of Happiness


Look Before You LeaveCategories