From A Life to The Life
તકલીફ (ભાગ-૨)

તકલીફ (ભાગ-૨)

બહુ જરૂરી છે કે આપણે આપણી તકલીફો વીશે વિચારવા માટે અલાયદો સમય ફાળવીએ. યાદ કરો છેલ્લે ક્યારે એવું બન્યું છે કે તમે માત્ર તમારી તકલીફો વીશે વિચારવા બેઠાં. કદાચ કંઈપણ વિચારવા માટે કદી સમય ફાળવીને સભાનપણે બેઠાં જ નથી. આપણને વિચારો આવે છે, સભાનપણે આપણે ભાગ્યેજ વિચારીએ છીએ. કોઈ દિવસ, ટી.વી., મોબાઈલ બધું જ બંધ કરીને ખાલી બેસી જવું જોઈએ. એકલાં. સાવ એકલાં. નવાઈ લાગશે કે પોતાની જાત સાથે કેટલી વાતો કરવાની બાકી છે. મોટાભાગે પોતાની જાત સાથેની વાત તકલીફોથી જ ચાલુ થશે.
શાંતિથી વિચારીએ તો તકલીફોને બે પ્રકારમાં વહેંચી શકાય છે. એક કે જેના પર કાબુ મેળવવો આપણા હાથમાં છે અને બીજી જે આપણા હાથ બહારની વાત છે. પણ બંને માટે સમાધાન તો મળી જ શકે છે. પહેલાં આપણે એવી તકલીફોની વાત કરીએ જેના પર આપણો કાબુ છે કારણકે મોટાભાગની તકલીફો આ જ પ્રકારની હોય છે. વિચારજો. આવું એટલા માટે કે સૌથી વધું આપણે આપણા સ્વભાવ, વિચારો અને ટેવોથી જ હેરાન થઈને તકલીફમાં હોઈએ છીએ. આ બધું બદલી શકાય છે.
એવી તકલીફોનું એક લીસ્ટ બનાવો જે તમને ઘણાં સમયથી હેરાન કરે છે. કદાચ નાનપણથી. હવે દરેક વીશે માત્ર વિચારો. એનાં કારણો શું છે? બહુ નવાઈ લાગશે કે આપણને કારણો પણ ખબર હોય છે અને છતાં પણ આ તકલીફ ઘર કરી જાય છે. કોઈ કુટેવ, ગુસ્સાવાળો સ્વભાવ કે જેનાથી તમારાં સંબંધો પર માઠી અસર પડે છે, ભૂલી જવાની ટેવ, કે આવું કંઈપણ જે આપણા સ્વભાવને કારણે છે, એવાં કારણો મળશે મોટાભાગની તકલીફોના. આ કારણો દૂર એટલા માટે નથી થતાં કારણકે આપણને એક બહુ ખરાબ આદત છે એવું કહેવાની કે, ‘મારો તો સ્વભાવ જ આવો છે, એ ના બદલાય’. આપણે બધાં ક્યારેક તો આવું બોલતાં કે વિચારતાં જ હોઈએ છીએ. પાંચ વખત વાંચો આ વાક્યને. સ્વભાવ મારો છે, એ ના બદલાય. તો સીધો અર્થ એ જ થયો કે મારે સ્વભાવ બદલવો નથી. સ્વભાવ બદલવા માટે આપણે તૈયાર નથી. કેમ? આ કેમ નો જવાબ નહીં મળે. જો જવાબ મળ્યો હોત તો સ્વભાવ બદલાઈ ગયો હોત અને તકલીફો ના હોત.
પગમાં કાંટો વાગે તો સોયથી તરત કાઢી લઈએ છીએ. કેમ? દુઃખે છે, તકલીફ છે, દૂર તો કરવો પડેને કાંટાને? તો આવી જ તકલીફ ખરાબ સ્વભાવ કે આદતને લીધે છે, એને દૂર કરવા માટે આપણે કેમ તૈયાર નથી હોતાં? જયારે આપણે નાનાં હતાં ત્યારે કાંટો વાગે અને માં સોય લઈને બેસે તો આપણે રડતાં, કે ના કાઢો, દુઃખશે. તાવ આવ્યો હોય ત્યારે ઈન્જેકશન લેવામાં પણ ધમપછડા કર્યા જ હોય બધાંએ. પણ મોટા થયાં પછી? આવું નથી કરતાં. સમજ આવી ગઈ કે કાંટો કાઢવો જ પડશે, ઈન્જેકશન લેવું જ પડશે. થોડું દર્દ સહન કરીને પણ આપણે એ કરીએ છીએ. તો શું સ્વભાવ બદલવાની બાબતમાં આપણે હજી બાળક છીએ? કદાચ હા. એટલે જ તો આપણે તકલીફ હોવાં છતાં બદલાવા માટે તૈયાર નથી.
જેમ એવી સમજ કેળવી શકાય કે કાંટો કાઢવો જરૂરી છે, બિલકુલ એ જ રીતે, એવી સમજ પણ કેળવી શકાય કે સ્વભાવ બદલવો જરૂરી છે, કુટેવ દૂર કરવી જરૂરી છે. આ બધું માત્ર સભાનપણે વિચારવાથી જ થઈ જાય છે, માત્ર વિચારવાથી. વિચારી જુઓ.
                                                                                                (ક્રમશઃ)

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Habit of Happiness


Look Before You Leave



Categories