From A Life to The Life

સિદ્ધાંતો

સિદ્ધાંતો. નિયમો. દરેક વસ્તુ એક ચોક્કસ સિદ્ધાંત યા નિયમને અનુસરે છે. એ પ્રમાણે જ કાર્ય કરે છે. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ, આઘાત પ્રત્યાઘાતનો નિયમ, કેશાકર્ષણનો નિયમ વગેરે. પ્રાણીઓનું જીવન પણ ચોક્કસ સિદ્ધાંતો પર જ ચાલે છે. સિંહ અમુક ચોક્કસ રીતે જ વર્તે અને શિયાળ અમુક જ રીતે. ગાયને પોતાના અમુક નિયમો છે તો કૂતરાને પોતાના. દરેક પક્ષીને પોતાના અલગ નિયમો છે અને દરેક વૃક્ષને પોતાના. પ્રકૃતિની લગભગ બધી જ વસ્તુઓ નિયમો અને સિદ્ધાંતોને વળગી રહે છે, એક મનુષ્ય સિવાય. આપણા જીવનમાં સિદ્ધાંતોનું મહત્વ કેટલું? કદાચ એવું વિચારવું જોઈએ કે આપણા જીવનમાં કોઈ સિદ્ધાંતો કે નિયમો છે ખરાં?
મન ફાવે તેમ વર્તવું. ઘણી વખત આપણે આ વાક્યનો ઉપયોગ કરતાં હોઈએ છીએ, મોટાભાગે બીજાં માટે. પરંતુ આપણા દરેકનું આવું જ છે. આપણે મન ફાવે તેમ જ વર્તન કરીએ છીએ, કારણકે આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ તેના કોઈ નિયમો જ નક્કી નથી કર્યા. જયારે કોઈ વસ્તુ નક્કી જ ન હોય ત્યારે મન ફાવે તેમ જ કામ થાય. આડેધડ. એમાં ઘણીવાર એવા વર્તનો કે કાર્યો થઈ જાય જે આગળ જઈને આપણને જ નડે. છતાં પણ જીવન આમ જ ચાલ્યા કરે છે, નિયમો વગર.
જે લોકોએ જીવનમાં કંઇક હાંસલ કર્યું છે, જેઓ બીજાં માટે પ્રેરણારૂપ છે એવા કોઇપણ વ્યક્તિના જીવનમાં ડોકિયું કરશો તો પાયામાં તમને અમુક સિદ્ધાંતો મળી આવશે, જેના પર તેઓ આખું જીવન કાયમ રહ્યા હોય. ગાંધીજી સત્ય અને અહિંસાને સમગ્ર જીવન વળગી રહ્યાં. આ તેમના જીવનનાં પાયાનાં નિયમો હતાં. અબ્રાહમ લિંકને પ્રમાણિકતાને જીવનનો પાયો બનાવ્યો. તમારા આસપાસ પણ તમને અમુક લોકો એવા મળી આવશે જે જીવનમાં ચોક્કસ નિયમોનું પાલન કરતાં હોય. એમનાં જીવનનું નિરીક્ષણ કરજો. જે  નિયમિત કસરત કરવા માટે નિયમબધ્ધ હોય તેનું શરીર સ્વસ્થ જ હશે. જે હંમેશા મૃદુ અને મીઠું બોલવાનો નિયમ પાળતા હશે તેમના જીવનમાં તકરારો ઓછી જ હશે.
નિયમો અનુસાર જ વર્તવું એટલે જડ બની જવું કે યંત્રવત બની જવું એવું નથી. આ જીવનને એક ચોક્કસ દિશા આપવાની વાત છે. આપણે આપણું જીવન કેવી રીતે જીવવું તેના ચોક્કસ સિદ્ધાંતો અને નિયમો હોવા જ જોઈએ. આપણે પોતે નક્કી કરેલા. નિયમોને કારણે જીવન સરળ બને છે. પ્રગતિશીલ બને છે. નિયમો વિશે ખાલી વિચારવું જ અગત્યનું નથી. આપણા જીવનમાં આપણે કયા કયા નિયમોનું પાલન કરીશું એ નિયમો લખેલા હોવાં જોઈએ જે આપણને તેનું પાલન કરવાની યાદ અપાવ્યા કરે.
નવું વર્ષ શરૂ થવાની તૈયારીમાં છે. એક વર્ષ નિયમબદ્ધ જીવન જીવી જુઓ, પરિવર્તન અને પરિણામ તમે જાતે જ અનુભવ કરશો.      

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *