From A Life to The Life

મને કોઈ સમજતું નથી

મને કોઈ સમજતું નથી. લગભગ બધાને રહેતી ફરિયાદ. મોટાભાગનાં દુઃખોની શરૂઆત પણ અહીંથી જ થાય છે. આ ‘સમજવું’ એટલે શું? સમજવું શબ્દને સમજીએ.
સમજવું નો સીધો અર્થ થાય છે જાણવું કે જાણી લેવું. આપણે એવું ઇચ્છતાં હોઈએ કે સામેની વ્યક્તિ મને બરાબર જાણી લે , સમજી લે, કે જેથી તેની સાથેના વ્યવહારમાં મુશ્કેલી ન પડે. અહીં સુધી બરાબર છે. પણ સમજવું શબ્દનો એક અર્થ એ પણ થાય છે કે ‘આગ્રહ મુકી દેવો’. આપણે હંમેશા એવું જ ઇચ્છતાં હોઈએ કે સામેની વ્યક્તિ જ મને સમજે, એટલે કે એ જ પોતાનો આગ્રહ છોડે. હું મારો આગ્રહ નહીં છોડું. જેમ આપણી ઈચ્છા હોય છે, બરાબર એવી જ સામેની વ્યક્તિની પણ ઈચ્છા હોય છે કે આપણે તેને સમજીએ, આપણે આપણો આગ્રહ છોડી દઈએ. મતલબ એવો થયો કે બે વ્યક્તિઓ માત્ર એવી જ ઈચ્છા કર્યા કરે છે કે સામેવાળો જ સમજે. કોઈ પોતાનો આગ્રહ છોડવા તૈયાર નથી.
પપ્પાને સમાચાર જોવા હોય અને દીકરાને ફિલ્મ. પતિને રીંગણ ખાવા હોય અને પત્નીને બટાકા. અહીંથી જ શરુ થાય છે, ‘મને કોઈ સમજતું નથી’. ઘરમાં ગણીને ચાર જાતનાં શાક પડ્યા હોય. આજે બટાકા થાય તો કાલે રીંગણ થવાના જ છે. પણ કોઈ આગ્રહ મૂકતું નથી. વાતો બહુ નાની હોય છે, જેમાં વ્યક્તિને સમજવાનું હોય છે. નાની વાતો જ આપણે સમજી શકતાં નથી તો મોટી વાતો સમજવી, ગંભીર પરિસ્થિતિમાં સામેવાળાને સમજીને તેને મદદરૂપ થવું, આવું બધું શક્ય જ નથી.
આગ્રહ કોણ મુકી શકે? કોણ સમજી શકે? જેનામાં સમજણ હોય તે. શું આપણે કદી એવું માનીએ છીએ કે આપણામાં સમજણ નથી? જો ના, તો આપણે સામેવાળાને કેમ સમજતાં નથી? તો તરત પ્રશ્ન આવે કે કોશિશ કરી સમજવાની, પણ દરેક વખતે હું જ સમજું? હું જ મારો આગ્રહ મુકું? સામેવાળાને ગમે એમ જ કરું? એક કહેવત છે કે, ‘બધું સમજવું એટલે બધું માફ કરી દેવું’. જો તમારામાં સાચી સમજણ હશે તો તમે સામેવાળાને માફ કરી શકશો. તમારો આગ્રહ મુકી શકશો, તેને સમજી શકશો.

જયારે તમે બીજાને સમજવાનું શરુ કરો છો અને તમારો આગ્રહ છોડવાનું શરુ કરો છો, ત્યારે થોડાં જ સમયમાં તમે અનુભવ કરો છો કે બીજાઓ પણ હવે તમને સમજવા લાગ્યા છે, તેઓ પણ તમને ગમતું કરે છે. જરૂર છે બસ સમજણની શરૂઆત આપણાથી કરવાની.

You may also Like

1 Comment

  1. Shailaja jaydatt

    19th Jun 2017 - 7:40 pm

    Very well said!

Leave a reply

Your email address will not be published. Required fields are marked *