From A Life to The Life

બધું બરાબર છે?

Note # 37. (22/01/2015) (www.notesfromlife.in)
“કેમ છે? શું ચાલે છે? બધું બરાબર?”
એકબીજાને મળીએ ત્યારે આપણે આવા સવાલો કરતાં હોઇએ છીએ. આવું કદાચ એટલા માટે કે ક્યાંક ઊંડે આપણને એવી ખબર છે કે જીવનમાં હંમેશા બધું બરાબર નથી હોતું. ઉતાર ચડાવ, જીવનમાં શરુ જ હોય છે. આપણે કાયમ કોઈ વસ્તુ કે પરિસ્થિતિ બરાબર થવા ની રાહ જોતા હોઇએ છીએ. આ બરાબર થઈ જાય પછી શાંતિ. પેલું ઠીક થઈ જાય પછી શાંતિ. છેક વૃદ્ધાવસ્થાએ પહોંચીને પણ માણસ કંઇક બરાબર થવા ની રાહ જોતો હોય છે. એટલે ક્યારેય શાંતિનો અનુભવ થતો નથી. તો આખરે આ ‘બરાબર’ એ છે શું?
આપણું મન હંમેશા દરેક વસ્તુની વ્યાખ્યા કર્યા કરે છે. આ સુંદર, આ કદરૂપું, આ સારું, આ ખરાબ વગેરે. આ બરાબર અને તે બરાબર નહીં, આ પણ મનની એક વ્યાખ્યા માત્ર જ છે. આપણે પહેલેથી જ નક્કી કરી રાખીએ છીએ કે આટલું અને આવી રીતે બને એ બરાબર છે, મને રુચે એવું છે, ગમે એવું છે, મને અનુકૂળ છે. તેનાથી વિપરીત, એટલે બરાબર નહીં. વિચારવા જેવી બાબત એ છે કે જે વસ્તુ કે પરિસ્થિતિ આપણા માટે બરાબર નથી, એ બીજા વ્યક્તિ માટે એકદમ બરાબર હોઈ શકે. કારણ કે એ તેની વ્યાખ્યાને અનુરૂપ છે. પરંતુ જીવન હંમેશા આપણી વ્યાખ્યાઓ પ્રમાણે નથી ચાલતું, તેના પોતાના પણ અમુક નિયમો હોય છે.
તો પછી આપણને શાંતિ ક્યારે મળે? શું ક્યારેય બધું હંમેશ માટે બરાબર થઈ શકે? શું પરિસ્થિતિઓ હંમેશા આપણી તરફેણ માં થઈ શકે? જવાબ છે ના. જો હંમેશ માટે કંઈ બદલાઈ શકે તો એ માત્ર અને માત્ર, આપણી સમજણ. ઓશો રજનીશે એક સરસ વાત કહી છે. મહાવીર સ્વામી માટે એવું કહેવાય છે કે, એ જ્યાં જતાં ત્યાં રસ્તા પરના કાંટા ઉલટા થઈ જતાં. પયગંબર ચાલતાં ત્યારે એમની ઠીક ઉપર આકાશમાં એક વાદળી ચાલતી રહેતી જેથી તેમને કદી તડકો લાગતો નહીં. હવે કાંટા ને શું ખબર કે મહાવીર સ્વામી આવે છે કે બીજું કોઈ? વાદળી ને શું પડી હોય કે નીચે કોણ ચાલે છે? પણ આ બધા રૂપકો છે. કહેવાનો મતલબ એ છે કે આ મહાપુરુષોને બધી જ વસ્તુ બરાબર લાગતી. એમનાં માટે કંઈ પણ અડચણરૂપ ન હતું. કારણ કે તેઓ કોઈ વસ્તુની વ્યાખ્યા જ નહોતા કરતાં. બસ સ્વીકાર. કાંટા અવળા નહોતા થયાં, એમની સમજણ સવળી થઈ હતી. શાંતિ ના અનુભવ માટે એમણે કોઈ વ્યાખ્યા નહોતી ઘડી. કોઇપણ પરિસ્થિતિ એમની શાંતિ માં ખલેલ પાડી ના શકે એવી એમની સમજણ હતી.       
શ્રીમદ ભગવદગીતા એ આપણી સંસ્કૃતિનો આધાર સ્તંભ છે. એમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જે થાય છે તે બધું જ બરાબર થાય છે. એનું પ્રમાણ આપણા જીવન માંથી જ મળી રહે છે. આપણે ભૂતકાળ ને  યાદ કરીએ તો એકાદ ઘટના તો એવી મળશે જ, જે એ સમયે આપણને બરાબર નહોતી લાગતી. પરંતુ આજે ફરી વિચારતાં એવું લાગે કે જો એવું ન બન્યું હોત તો બરાબર ન થાત. જે થયું એ સારું થયું. આવો અનુભવ દરેકને હશે જ.  

જીવનમાં શાંતિ કદી ક્યાંયથી આવતી નથી. શાંતિ રાખવી પડે છે, જાળવવી પડે છે, આપણી સમજણથી. જો સમજણ બરાબર થઈ જાય તો બાકી બધું આપોઆપ બરાબર થઈ જાય છે.

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *