From A Life to The Life

ફૂટપટ્ટી


કોઇપણ વસ્તુનું માપ લેવા માટે એક ચોક્કસ પ્રકારની ‘સ્કેલ’ કે ‘ફૂટપટ્ટી’ નો ઉપયોગ થાય છે. આ ફૂટપટ્ટી વસ્તુનું સાચું માપ નક્કી કરે છે, કારણકે એ અમુક ચોક્કસ નિયમો મુજબ બનાવેલી હોય છે અને પ્રમાણિત કરેલી હોય છે. પરંતુ જો ફૂટપટ્ટી ખોટી હોય તો? બધાંજ માપ ખોટા આવે.
આપણે પણ આપણી આસપાસના માણસોનું હંમેશા માપ લીધા કરીએ છીએ, મતલબ કે એનું મૂલ્યાંકન કર્યા કરીએ છીએ. કોઈ પાંચ વ્યક્તિ વિશે ખાલી વિચારશો તો તમને એ લોકો વિશે તમે કરેલા મૂલ્યાંકનનો વિચાર પણ જોડે જ આવશે. જેમ કે, આ માણસ સારો, આ ખરાબ, આ લુચ્ચો, આ ભલો, આ ચાલક, આ સ્વાર્થી, આ દયાળુ, વગેરે. આવું ઘણું મૂલ્યાંકન એક વ્યક્તિ વિશે આપણે કરી લેતાં હોઈએ છીએ. આપણે કરેલું મૂલ્યાંકન સાચું જ છે કે નહીં, તેની ખાતરી શી? આ મૂલ્યાંકનનો માપદંડ શું? કદી આપણે આપણી ફૂટપટ્ટી ચકાસી છે?   
મોટાભાગના લોકોને માટે સારી વ્યક્તિનો મતલબ સફળ વ્યક્તિ જ થાય છે. અને સફળતાનો માપદંડ? પૈસો. વ્યક્તિ પાસે કેટલો પૈસો છે તેના પરથી તેની સફળતા અને નિષ્ફળતા નક્કી થાય છે. ઓછા પૈસામાં સંતોષી અને સુખી જીવન જીવતાં વ્યક્તિને મોટાભાગના લોકો સફળ ગણતા નથી. અઢળક પૈસો હોવા છતાં, જેને રાત્રે ઉંઘ નથી આવતી, શરીરમાં દસ જાતની બીમારીઓ છે પણ એ સફળ વ્યક્તિ ગણાય છે. માત્ર અને માત્ર તેના બેંક બેલેન્સના આધારે. શું આ માપદંડ સાચું છે? સારો માણસ એટલે સુંદર દેખાતો હોય તે. એવું પણ મૂલ્યાંકન થાય છે. શારીરિક સૌંદર્ય સારું હોય તો લોકો તેને માન અને પ્રેમની ભાવનાથી જુએ છે. એની તુલનામાં થોડાં ઓછા સુંદર ચહેરાવાળી વ્યક્તિને એટલું માં નથી મળતું. જે લોકો ખરેખર મહાન વ્યક્તિઓ છે, જેમણે સમાજને કંઇક આપ્યું છે, સમાજ માટે કંઇક કર્યું છે, એ બધી જ વ્યક્તિઓ સુંદર જ હતી એવું બિલકુલ નથી. હા, એમનાં સારા કર્મો એમની શારીરિક કુરુપતાને ઢાંકી જરૂર દે છે. તો શું આપણી ફૂટપટ્ટી બરાબર છે?
આપણે આપણી ફૂટપટ્ટીને શાંતિથી ચકાસવાની જરૂર છે. આપણે કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન કઈ રીતે કરીએ છીએ તે જોવાની જરૂર છે. શું સફળતા માત્ર પૈસો છે? સુંદર ચહેરો અને શારીરિક સૌંદર્ય એ જ આપણી માટે સારી વ્યક્તિનો માપદંડ છે? જો કોઈ તમને કશું આપી શકે તો જ એ તમારી મિત્રતાનો હકદાર બને છે? આ બધી અલગ અલગ ફૂટપટ્ટીઓની પ્રમાણિતતા ચકાસો. એના વિશે વિચારો. આવા મૂલ્યાંકનો આપણે આપણી જાતે કરીએ છીએ કે આ પણ કોઈનું અનુસરણ છે, એ પણ ચકાસવાની જરૂર હોય છે. આપણે આપણી પોતાની ફૂટપટ્ટી બનાવવાની છે અને એ પણ ક્ષતિરહિત. નહીં તો, આપણે લીધેલા બધાંજ માપ ખોટાં આવશે અને જીવનની ઈમારતનું ચણતર ખોટું થશે.

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *