From A Life to The Life

પ્રભુની પરીક્ષા

શાંતિથી પસાર થતા જીવનમાં કોઈ દિવસ એવો ઉગે છે જયારે કંઈપણ બરાબર થતું નથી. તમે બધી જ જગ્યાએ મુશ્કેલી અનુભવો છો. દરેક પરિસ્થિતિ જાણે તમારી વિરોધમાં આવીને ઉભી રહી જાય છે. રોજબરોજના કામમાં અચાનક અણધારી તકલીફો, લોકોનું અણધાર્યું વર્તન, કડવા શબ્દો, ગેરસમજને લીધે ઉભી થતી તકરારો, આ બધું તમને હલાવી મુકે છે. તમારી શાંતિ જાણે છીનવાઈ જાય છે. આજનો દિવસ જ ખરાબ છે યા તો આજે મારો દિવસ નથી એવું માનીને તમે બેસી જાવ છો, સાવ નિરાશ. ઈશ્વરમાં વિશ્વાસ સાથે જીવન ચાલતું હોય અને જયારે આવો દિવસ આવે ત્યારે તમને લાગે છે કે તમે ઈશ્વરના આશીર્વાદ ગુમાવી બેઠા છો. આવું દરેક સાથે બનતું હોય છે. કેમ?  
કહેવાય છે ને કે જીવન એક પાઠશાળા છે. અહીં આપણે રોજ નવું શીખવાનું હોય છે. આવા સુત્રો આપણને યાદ રહે છે પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે પાઠશાળા હોય તો પરીક્ષા પણ આવે. એ અનિવાર્ય છે. જયારે તમે ઈશ્વરમાં વિશ્વાસ રાખીને જીવતા હો છો ત્યારે એ તમને ઘણું શીખવે છે. એક શિક્ષકની જેમ. પણ સાથે સાથે એ એમ પણ તો ચકાસશે ને આપણે કેટલું શીખ્યા? પરંતુ આપની શાળાઓ લેવાતી પરીક્ષા અને ઈશ્વરની પરીક્ષા વચ્ચે એક જ તફાવત છે કે ઈશ્વર હંમેશા સરપ્રાઈઝ ટેસ્ટ લે છે. એ આપણે સમજવાનું હોય છે કે જયારે અચાનક આવા દિવસો આવી જાય જયારે દરેક પરિસ્થિતિ આપણા વિરોધમાં હોય, તો ઇટ્સ એક્ઝામ ટાઈમ…
જયારે આપણે આવા દિવસોમાંથી પસાર થતા હોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણો ઈશ્વર પરનો વિશ્વાસ ડગી જાય છે. આપણે વિચારીએ છીએ કે મેં શું ખોટું કર્યું કે ઈશ્વર મારી સાથે આવું કરે છે? ઈશ્વરની હયાતી સુધીના પ્રશ્નો મનમાં ઉઠે છે. પણ આ જ તો પરીક્ષા છે. ઈશ્વરની પરીક્ષામાં પાસ થવું એટલે વિશ્વાસમાં બન્યા રહેવું. જયારે દરેક પરિસ્થિતિ આપણી વિરોધમાં હોય ત્યારે આપણે ઈશ્વરને કહેવું જોઈએ કે, ‘હે પ્રભુ, મને ખબર છે કે તું મારી પરીક્ષા લઇ રહ્યો છે. પરિસ્થિતિઓ ભલે વિકટ હોય પણ મારો તારામાં વિશ્વાસ અટલ છે. તું મને જે પરિસ્થિતિઓ, કડવા અનુભવો કે વિકટ સંજોગોનો સામનો કરાવી રહ્યો છે એનો હું પ્રેમથી સ્વીકાર કરું છું, કારણકે હું જાણું છું કે તું મારું અહિત ક્યારેય ન કરી શકે.’

જયારે આપણે વિશ્વાસમાં રહીએ છીએ ત્યારે પ્રભુની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈએ છીએ. જેમ શાળામાં પરીક્ષા પાસ કર્યા પછી આપણે આગળના ધોરણમાં જઈએ છીએ, એવી જ રીતે પ્રભુની પરીક્ષામાં પાસ થયા પછી આપણે જીવનમાં આગળ વધીએ છીએ. હવે આપણી પાસે હોય છે વધુ અનુભવ, વધુ જ્ઞાન, ઈશ્વરમાં વધુ વિશ્વાસ અને એ સૌ કરતાં વધુ ઈશ્વરનો પ્રેમ અને એમનાં આશીર્વાદ, જે આપણા જીવનને વધુ ઉમદા બનાવે છે.  

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *