From A Life to The Life

પ્રતિભાવ

        શું સાવ નાની એવી વાત તમારો મૂડ બગાડે છે? જેમ કે, કોઈના દ્વારા બોલાયેલા બે કડવા શબ્દો, ટ્રાફિક જામ, ખમીસ પર ચા ઢોળાવી, તમારા બાળકની જીદ, તમારા સહકર્મીનો અસહકાર અને આવી ઘણી નાની નાની બાબતો. જો આવી વાત તમારો મૂડ બગાડતી હોય તો થોડું ચિંતન જરૂરી છે.
        પહેલી વાત જે દિમાગમાં આવે તે એમ કે આ કંઈ નાની વાત છે? જો તમે આવી બધી બાબતોને લઈને વારંવાર વ્યથિત થઈ જાવ છો તો આ બાબતો તમને ક્યારેય નાની નહીં લાગે. તમારા ખમીસ પર ચા ઢોળાવી એ એક અકસ્માત છે. તમે પણ એ જાણી જોઇને નહીં કરો કે બીજા પણ તમારા પર જાણી જોઇને તો નહીં જ ઢોળે. પણ આવા સમયે આપણે ગુસ્સે થઈ જઈએ છીએ. આપણા મૂડ સાથે ઘરનું વાતાવરણ પણ બગડે છે. બગડેલા મૂડથી કામ કરીએ એટલે કામમાં પણ ભૂલો થાય. એના લીધે આગળના બીજા કામ બગડે. બની શકે કે સાંજ સુધીમાં તમારો મૂડ વધુ ખરાબ થઈ ગયો હોય, કામ બરાબર ન થવાના લીધે. આવું ઘણાંએ અનુભવ્યું હશે. આનું મૂળ કારણ, ખમીસનું બગડવું. એક સાવ નાની વાત. એટલું જ વિચારો કે શું, દસ દિવસ કે એક મહિના પછી તમને યાદ હશે કે તમારું ખમીસ બગડેલું? આજથી પાંચેક વર્ષ પછી તમને કોઈ યાદ પણ અપાવશે  તો કદાચ યાદ પણ નહીં આવે કે આવું કંઈ બનેલું. તો પછી આવી વસ્તુ માટે આજે મૂડ બગાડીને દિવસ કેમ બગાડવો?
        નાની વાતમાં વ્યથિત થઈ જવાના મૂળ કારણોમાં બે મહત્વના કારણ છે. પહેલું, જે ઘટના બની એ તમને અનુકુળ ન હતી. બીજું, તમે તેના માટે તૈયાર ન હતાં, એ અચાનક બની ગઈ. જીવનમાં મોડા વહેલાં આપણે એ સ્વીકારવું જ પડે છે કે દરેક વસ્તુ આપણને અનુકુળ હોય એવી નથી હોતી, આપણે પણ અમુક  વસ્તુને અનુકુળ બનવું પડે છે.  જીવન અનિશ્ચિતતાથી ભરપુર છે. ક્યારે શું થશે કહી શકાય નહીં. જો આપણે સજાગ હોઈએ અને એટલી જ સમજ હોય કે ગમે તે થઈ શકે છે, હું તૈયાર છું, તો ઘટનાઓ આપણને વ્યથિત નહીં કરી શકે. આપણે ઘટનાઓને વિચારપૂર્વક પ્રતિભાવ આપી શકીશું.

આપણો ખોટો પ્રતિભાવ જ નાની ઘટનાઓને મોટું સ્વરૂપ આપે છે. મોટાભાગે બધી જ ઘટનાઓ બહુ નાની હોય છે. ક્યારેય આભ તૂટી પડતું નથી. 

Leave a reply

Your email address will not be published. Required fields are marked *