Recent Posts

Look Before You Leave




Follow Us

From A Life to The Life

ડિસ્ક ક્લીનઅપ


કમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્કમાંથી નકામી ફાઈલોને દૂર કરવા “ડિસ્ક ક્લીનઅપ” નામની એક વ્યવસ્થા હોય છે. જયારે આ ટૂલને રન કરવામાં આવે છે ત્યારે સૌપ્રથમ એ ડિસ્કમાં રહેલી બધીજ નકામી ફાઈલને શોધે છે અને એક જ ક્લિકમાં તેને ડીલીટ કરી શકાય છે. આપણી હાર્ડ ડિસ્ક એટલે કે આપણા મનમાં પણ આવી જ કોઈ વ્યવસ્થા ગોઠવી દઈએ તો?
આપણા મનમાં પણ ઘણી નકામી ફાઈલો જગ્યા રોકીને પડેલી હોય છે. ઘણી વખત આપણે કોઈ જૂની ઘટનાને યાદ કરીને વર્તમાનમાં ફરીથી દુઃખી થઈ જતા હોઈએ છીએ. કોઈએ કહેલા કડવા વેણ યાદ કરીને ગુસ્સે થઈ જઈએ છીએ. એક જુના પૂર્વગ્રહને કારણે આપણે અમુક વ્યક્તિ સાથે બરાબર વર્તન નથી કરતા. આવું તો ઘણું બધું. જેમ નકામી ફાઈલો કોમ્પ્યુટરને ધીમું પડે છે એવી જ રીતે મનની નકામી ફાઈલો આપણા વિકાસને અવરોધે છે. કોમ્પ્યુટરમાં તો ઠીક છે કે ફાઈલ ડીલીટ કરી અને કામ પત્યું, પરંતુ આપણા મનમાં ઘર કરી ગયેલી વાતો એમ આસાનીથી જતી નથી. હા, તેને દૂર કરવાનો એક ઉપાય છે ‘માફી આપો અને ભૂલી જાઓ’.
કોઈએ કહેલા કટુ શબ્દો જયારે પણ યાદ આવે ત્યારે એ વ્યક્તિને કોઇપણ જાતની શરત વિના માફી આપો અને આ વાતને ભૂલી જાઓ, કારણકે તમે પણ કોઈ બીજા વ્યક્તિ માટે ક્યારેક તો કટુ શબ્દો બોલ્યા જ હશો. આવું કરતા તમને તમારી પોતાની ભૂલો પણ સમજાશે. તમારી જાતને પણ માફી આપો અને સારું વર્તન કરવાનો નિર્ણય લો. ભૂતકાળમાં બનેલી કોઈ દુઃખદ ઘટના વારંવાર તમને પરેશાન કરતી હોય, તો મનને સમજાવો કે જે બની ચુક્યું છે અને ભુસવું અશક્ય છે પરંતુ એ વાતને લઈને આખી જિંદગી દુઃખી થવામાં કોઈ સમજદારી નથી, એને ભૂલી જવામાં જ શાણપણ છે. નિર્ણય કરો કે હવે જયારે પણ આ ઘટના મને યાદ આવશે ત્યારે હું દુઃખી નહીં થાઉં. અમુક વ્યક્તિઓ માટે આપણા મનમાં એક પૂર્વગ્રહ હોય છે કે આ વ્યક્તિ આવી જ છે. જયારે પણ આવો વિચાર આવે ત્યારે નક્કી કરો કે હું કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના એ વ્યક્તિને ફરી મળીશ અને તેને સમજવાનો પ્રયત્ન કરીશ.
માફી આપવાથી અને ભૂલી જવાથી નકામી ફાઈલોને મનમાંથી દુર કરી શકાય છે. તમે એક્દમ હળવા અને શાંત થઈ જાઓ છો. સમયાંતરે ‘ડિસ્ક ક્લીનઅપ’ કરતા રહો.

You may also Like

Leave a reply

Your email address will not be published. Required fields are marked *

×